એક સાચી અને પ્રેરણાદાયી વાર્તા, ‘જીવ’, આ શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ, દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ માત્ર એક પડદા પરની રજૂઆત નથી, પરંતુ કચ્છના રાપર ગામના વીર હૃદય વેલજીભાઈ મહેતાના નિઃસ્વાર્થ જીવનનો અને જીવદયાના મહાન આદર્શનો જીવંત અનુભવ છે.
ફિલ્મની સ્ટોરીટેલિંગ ખૂબ જ રસપ્રદ છે. મૂળજીભાઈ (યતીન કાર્યેકર) તેમના પૌત્રને વાતો કહે છે, જે ભૂતકાળના રાપર ગામની ગરીબી, સંપ અને વેલજીભાઈ (ધર્મેન્દ્ર ગોહિલ)ના ઉમદા કાર્યોની દુનિયામાં દર્શકને લઈ જાય છે.
વેલજીભાઈ દ્વારા ગેરકાયદેસર તસ્કરીમાંથી ઘેટાં-બકરાઓને બચાવવાની ઘટના, ગરીબ ગામલોકો દ્વારા પશુઓને સાચવવાનો નિષ્ફળ પ્રયાસ અને ત્યારબાદ ‘જીવદયા મંડળી’ની સ્થાપના… આ તમામ ઘટનાઓ ક્રમબદ્ધ રીતે રજૂ થઈ છે. આર્થિક પડકારો વચ્ચે પશુઓ માટે વરંડો ઊભો કરવો અને 2001ના ભૂકંપ બાદ ફરીથી તબાહીમાંથી ઉભું થવું, આ સંઘર્ષો કથાના હાર્દમાં છે. દિગ્દર્શક જીગર કાપડીએ આ ભાવનાત્મક વળાંકોને ખૂબ જ સંતુલિત રીતે રજૂ કર્યા છે.
ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈના પાત્રમાં ખરા અર્થમાં જીવ પૂરે છે. તેમની આંખોમાં દેખાતી કરુણા અને પશુઓ માટેની દૃઢતા આ પાત્રને માત્ર અભિનય નહીં, પણ એક અનુભૂતિ બનાવે છે.
સની પંચોલીનું મિહિરનું પાત્ર આધુનિક યુગના ‘વર્કોહોલિક’ યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પારિવારિક લાગણીઓથી દૂર છે. તેમનો સંઘર્ષ વેલજીભાઈના નિઃસ્વાર્થ જીવન સાથે વિરોધાભાસ ઊભો કરે છે અને આ જ વિરોધાભાસ વાર્તાને મજબૂત બનાવે છે.
શ્રદ્ધા ડાંગર અને અન્ય કલાકારો (આકાશ ઝાલા, હેમાંગ શાહ)એ પણ સહાયક ભૂમિકાઓમાં ઉત્તમ યોગદાન આપ્યું છે.
આ ફિલ્મમાં કદાચ એક પણ એવો મજબૂત સીન નથી કે જે વેલજીભાઇ અને કોઈ એક અબોલ જીવ (જેમ કે એક ઘેટું કે બકરું) વચ્ચેનું ઊંડું વ્યક્તિગત બોન્ડિંગ દર્શાવે. બે કલાકના સમયગાળામાં ઘણી બધી ઘટનાઓને આવરી લેવાના પ્રયાસમાં, કદાચ વેલજીભાઈના પશુઓ પ્રત્યેના વ્યક્તિગત લગાવનું ભાવનાત્મક ઊંડાણ દર્શાવવાનું છૂટી ગયું છે.
“જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” પસંદ આવી રહ્યાં છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે.
‘જીવ’ એક એવી ફિલ્મ છે જે તમને તમારા જીવનની પ્રાથમિકતાઓ પર વિચાર કરવા મજબૂર કરશે. ગામડાના સામૂહિક સંપ અને 2001 ના ભૂકંપ જેવી આફત સામે પણ અડગ રહેવાની ભાવના ફિલ્મને પ્રેરણાદાયી બનાવે છે. ટેક્નિકલ રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ આ ફિલ્મ ગુજરાતી સિનેમાના મસ્ટ-વોચલિસ્ટમાં ટોચ પર છે.
પરિવાર સાથે આ ‘જીવ’નો અનુભવ સિનેમાઘરોમાં જ માણવો જોઈએ!
3.5/5 સ્ટાર્સ
![]()

