અમદાવાદ: શહેરના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે આજે પ્રાચીન જ્ઞાનના સંશોધક અને ‘ભવિષ્ય માલિકા’ પુરાણના વિશ્લેષક પંડિત ડો. કાશીનાથ મિશ્રાજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને આગામી પરિવર્તનકારી સમય વિશે .વાત કરી હતી.
ડૉ. મિશ્રાએ જણાવ્યું હતું કે, ધર્મગ્રંથોમાં વર્ણવેલી તારીખો મુજબ જ વર્તમાન યુદ્ધનો પાયો નખાયો હતો અને તે મુજબ જ નિર્ણયો લેવાયા છે. તેમણે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ઈરાન યુદ્ધનો ટૂંક સમયમાં અંત આવે તેવી શક્યતા છે.” ધર્મગ્રંથોના સંકેતો મુજબ આગામી ૧૫ દિવસમાં આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. જોકે, તેમણે સાથે એ પણ ચેતવણી આપી હતી કે આગામી સમયમાં વિશ્વમાં ભૂખમરો અને મોંઘવારી વધવાની પૂરી શક્યતા છે.
ભવિષ્ય માલિકાના સંદર્ભો ટાંકીને તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના છેલ્લા વડાપ્રધાન છે અને તેઓ વર્ષ ૨૦૩૨ સુધી પદ પર રહી શકે છે. વર્ષ ૨૦૩૨માં ભગવાન કલ્કીનું પ્રગટ સ્વરૂપ લોકોની સામે આવશે. કળિયુગના ૫૦૦૦ વર્ષ પૂર્ણ થતા આ મોટા પરિવર્તનની શરૂઆત થશે. જગન્નાથ પુરી મંદિરના અરુણ સ્તંભ અને નીલ ચક્ર પર ગીધનું બેસવું, મંદિરમાંથી ચૂનો નીકળવો અને પથ્થરો પડવા એ કળિયુગના અંતના સ્પષ્ટ સંકેતો છે.
ડૉ. મિશ્રાએ ઉમેર્યું કે ૬૦૦ વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ગ્રંથોમાં આજની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન છે. કુદરતી આફતો અને સંઘર્ષ બાદ ફરીથી પૃથ્વી પર **’રામ રાજ્ય’**ની સ્થાપના થશે. મનુષ્યે પોતાનો ખાલી સમય વ્યર્થ ગુમાવવાને બદલે ધાર્મિક કાર્યો અને સતકર્મમાં વિતાવવો જોઈએ, કારણ કે પરમ ભક્તિ દ્વારા જ સાચું સુખ પ્રાપ્ત કરી શકાય છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કાનન જોષી સહિતના ભક્તજનો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

